વડોદરાના રેલવે સ્ટેશન પાછળ ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસ આવેલું છે. અહિંયા જમવા આવેલા યુવકને કડવો અનુભવ થયો છે. યુવકે ઢોંસા મંગાવતા તેમાંથી જીવાત નિકળી હોવાનું ધ્યાને આવ્યું છે. સમગ્ર ઘટનામાં યુવકે પાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા માટે અપીલ કરી છે. તો બીજી તરફ સંચાલકો દ્વારા ખીરૂ બહારથી મંગાવવામાં આવતુ હોવાનું જણાવવામાં આવ્યું છે. અને આગળ આ મામલે તપાસ કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
વડોદરામાં પાલિકાની આરોગ્ય વિભાગની શાખા દ્વારા લીધેલા ફૂડ સેમ્પલના 28 નમુનાઓ ફેઇલ થયાનો રિપોર્ટ તાજેતરમાં જ જાહેર થયો હતો. જેને લઇને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. જો કે, આ ઘટના બાદ પણ રેસ્ટોરેન્ટ-નાશ્તા હાઉસ દ્વારા ગ્રાહકોને પીરસવામાં આવતા ફૂડમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાના રેલવે સ્ટેશન પાછળ આવેલા જાણીના ગેલોર્ડ ટી-નાશ્તા હાઉસ માં ગ્રાહકે મંગાવેલી ઢોંસામાંથી જીવાત નિકળી છે. જે બાદ ગ્રાહકે હોબાળો મચાવ્યો છે.
ભોગબનનાર યુવાને મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે, સ્ટેશન પાછળ ગેલોર્ડ હોટલ આવેલી હોય છે. આ નામચીન હોટલ છે. અહિંયા આ બનાવ બને તે ખોટું છે. ગઇ કાલે પણ જીવડા જેવું નિકળ્યું હતું. આજે સવારે ફરી ઢોંસા આર્ડર કર્યો હતો. અને સ્વાદમાં ખટાશ સ્વાદ આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની ફેમસ જગ્યાઓ પર ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ. સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસાફરોની આવન-જાવન રહે છે. જેથી અહિંયા ચા-નાશ્તો કરનારાઓની સંખ્યા વધુ હોય છે. ગઇ કાલે પણ આ રીતે જીવડું નિકળતા મેનેજરને કહ્યું હતું. જે બાદ તેણે જોઇ લેવા જણાવ્યું હતું. આજે કહેતા જવાબ મળ્યો કે, આવું તો થતું રહેતું હોય. તેઓનો જવાબ ખોટો છે. મારી મુખ્ય માંગ છે કે, ફૂડ ડિપાર્ટમેન્ટ અહિંયા ચેકીંગ કરે, અંદર જઇને સ્વચ્છતા અંગેની તપાસ પણ કરે.
ગેલોર્ડ રેસ્ટોરેન્ટના સંચાલક ઇમરાન ભાઇ જણાવે છે કે, જીવડાને લઇને આરોપ ખોટો છે. અમારૂ ખીરૂ તૈયાર આવે છે. ત્યાં તપાસ કરાવડાવીશું. ખીરામાં ભુલ છે. તમે અમારી હોટલ તપાસી શકો છો, કોઇ પણ સમસ્યા નહિ મળે. ખોરાક શાખાને આ અંગે પણ જાણ કરીશ. આ અંગે જ્યાંથી માલ આવે છે ત્યાં વેપારીને જાણ કરીશ. અમારૂ નામ ખરાબ થઇ રહ્યું છે.