ચંદ્રની દુનિયા ખૂબ રહસ્યમયી છે. પૃથ્વીનો પોતાનો કુદરતી ઉપગ્રહ હોવા છતાં પણ વૈજ્ઞાનિકો હજુ સુધી ચંદ્રને પૂરેપૂરો સમજી શક્યાં નથી. ચંદ્ર પર ઘણી રહસ્યમયી ઘટનાઓ બની રહી છે અને તેને હજુ સુધી કોઈ ઉકેલ શક્યું નથી, વધુ એક વાર ચંદ્ર પર બનેલી એક ઘટનાથી વૈજ્ઞાનિકો હેરાન થઈ ગયાં છે.
નાસાએ ચંદ્રની ફરતે લૂનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) નામનું અવકાશયાન ફરતું રાખ્યું છે. તે ચંદ્રની તસવીરો લઈ રહ્યું છે. ચંદ્રની પરિક્રમા કરતાં કરતાં આ અવકાશયાને એક રહસ્યમયી વસ્તુ જોઈ છે. આ ચીજનું નામ છે સર્ફબોર્ડ, સર્ફબોર્ડ એટલે કે તે બોર્ડ જેના પર લોકો ઉભા રહીને સમુદ્રના મોજાઓ પર સવારી કરે છે. આ જોઈને નાસાના વૈજ્ઞાનિકો પણ નવાઈ લાગી હતી. કારણ કે આ પહેલા તેમણે ક્યારેક પણ ચંદ્રની આસપાસ ફરતા આટલા લાંબા આકારની વસ્તુને જોઈ નથી. ત્યારબાદ તેઓએ એલઆરઓ ફોટોગ્રાફની તપાસ શરૂ કરી અને 5 અને 6 માર્ચે ઓબ્જેક્ટના વધુ ફોટોગ્રાફ્સ લીધા.
નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તે રહસ્યમય વસ્તુના સ્થાનના ઊંડા અભ્યાસ અને તપાસ બાદ જાણવા મળ્યું કે તે દક્ષિણ કોરિયાનું લૂનર ઓર્બિટર દાનુરી છે. એવું લાગતું હતું કારણ કે બંને અવકાશયાન એટલે કે નાસાનો એલઆરઓ અને કોરિયાનો ડનુરી અલગ અલગ ભ્રમણકક્ષામાં એક સાથે આગળ વધી રહ્યા હતા. મેરીલેન્ડમાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એલઆરઓના કેમેરાનો એક્સપોઝર સમય ખૂબ ઓછો છે. તે માત્ર 0.338 મિલિસેકંડ છે. જેથી તેને તસવીરો લેવામાં તકલીફ પડી રહી હતી. પરંતુ તેણે દાનુરીની ઘણી તસવીરો ખેંચી હતી. ડિસેમ્બર 2022માં દક્ષિણ કોરિયાનું પહેલું વાહન ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું.
એલઆરઓ અને દાનુરી વચ્ચે ગતિનો તફાવત છે. બંને વચ્ચે લગભગ 11,500 કિમી/કલાકની ઝડપનો તફાવત છે. તેથી જ્યારે એલઆરઓએ ફોટો પાડ્યો, ત્યારે નાનું દાનુરી અવકાશયાન કોઈ વિશાળ પરાયું જહાજ જેવું લાગતું હતું. તે તેના મૂળ કદ કરતા 10 ઘણું મોટું દેખાતું હતું. હાઈ સ્પીડના કારણે તે સર્ફબોર્ડ જેવું લાગવા લાગ્યું હતું.