રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગત રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી. ત્યારે આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ થઈ શકે છે.
અમદાવાદ શહેરમાં લોકસભા ચૂંટણીની તેયારીઓ અલગ અલગ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે પોલીસ અધિકારીઓ ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી રહ્યા છે. હાલ લોકસભા ચૂંટણીને લઇ આચારસંહિતા ચાલી રહી છે તેવા સમયે આ ખાલી પડેલી જગ્યા ભરવા હજી સુધી કોઇ આદેશ કરવામાં આવ્યો નથી. આ વચ્ચે એક વિસ્તારમાં બે કોમના ટોળા સામ સામે આવ્યા હોય તેવા બનાવ પણ બન્યો છે. કેટલીક જગ્યાએ ગુનેગારો પોલીસની સામે પડી રહ્યા છે અને પોલીસે પીછેહટ કરવી પડી રહી છે. બીજી તરફ વિદેશી વિદ્યાર્થીઓને પણ ક્યાંક વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે લોકસભા ચૂંટણીને લઇને થોડા જ દિવસો બાકી રહ્યા છે. અને આજ પરિસ્થિતિ અમદાવાદ શહેર અને જિલ્લામાં ચાલી રહી છે. અમદાવાદ રેન્જની જવાબદારી પણ ઇન્ચાર્જ પર ચાલી રહી છે. ત્યારે કઈ રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આમને આમ લટકતી રહેશે તે મુદ્દે અનેક પ્રશ્નો ઉભા થયા છે અને હાલ પોલીસબેડામાં ચર્ચામાં પણ છે.