ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દરેક પક્ષ દ્વારા પ્રચાર પડઘમ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણી સમયે વિવાદો ઊભા થવા એ હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે. અને અત્યારે તો સૌથી મોટો વિવાદ કોઈ હોય તો એ છે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ભાજપની કોઈ પણ સભા હોય તો ક્ષત્રિય સમાજના લોકો ત્યાં કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવતા જોવા મળે છે. જેણે ધ્યાને લઈ હવે અમદાવાદ પોલિસે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
ગુજરાતમાં જ્યારથી રૂપાલા વિવાદ શરૂ થયો છે ત્યારથી ભાજપની સભાઓમાં જઈ કાળા વાવટા ફરકાવી વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધતો સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે. મતદારો દ્વારા અનેક લોકસભા બેઠક પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના અનેક ઉમેદવારોની સભા હોય કે પછી કાર્યક્રમ હોય ત્યાં જઈને મતદારો કાળાવાવટા ફરકાવીને કે પછી સૂત્રોચ્ચાર કરીને, બેનરો દર્શાવીને અને અનેક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પડ્યું છે. અને આ જાહેરનામામાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં પ્રવર્તમાન હાલની શાંતી અને સલામતી જળવાઇ રહે તે અનુસંધાને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને થનાર પ્રચાર-પ્રસાર અન્વયેની રેલી/સભા/સરઘસમાં કોઇના કોઇ કારણો આગળ ધરી કેટલાક ઈસમો કે જુથ દ્વારા વિરોધ કરવાની તથા કાળાવાવટા ફરકાવી, સુત્રોચ્ચાર કરી, પ્લે કાર્ડ/ બેનરો દર્શાવી કે આક્રમક કે ઉશ્કેરણી જનક ભાષણ/ સુત્રોચ્ચાર કરી જે તે વિસ્તારની શાંતી સલામતી જોખમાવવાની પુરેપુરી સંભાવના જણાતી હોય તથા જાહેર સુલેહ શાંતી ભંગ કે હુલ્લડ કે બખેડો થવાની પુરીપુરી સંભાવના રહેલી હોય જે બાબતો લક્ષમાં લેતા સામાન્ય નાગરિકોની સલામતિ અને સુરક્ષા અને યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા સારૂ નિયમન રાખવાની જરૂર જણાય છે.
તેથી હવે આ લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ના પ્રચાર પ્રસારની રેલી/સભા/સરઘસ દરમ્યાન કોઇએ કાળાવાવટા ફરકાવવા નહિ, કે ઉશ્કેરણીજનક બેનર વગેરે બતાવવુ નહિ અથવા કોઇ વિરૂધ્ધમાં ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર ના કરવા જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામનો અમલ 17 એપ્રિલથી લઈ અને 7મી મે સુધી મતદાર પૂરું થવા સુધી યથાવત રહેશે. જો તેનો અમલ નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે ચૂંટણી પહેલા તમને કોઈના વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરતાં પહેલા ધ્યાન રાખજો.