રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક પંચોલા ખાતે મધ્યપ્રદેશથી પરત ફરી રહેલા લગ્નની વાનને અકસ્માત નડ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા શહેરમાં એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. મધ્યપ્રદેશના ખિલચીપુર વિસ્તારથી નીકળી શનિવારે મોડી રાત્રે 10 મિત્રો મારુતિ વાનમાં અકલેરા પરત ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની વાન અકલેરાના NH-52 પર ખુરી પચોલા પહોંચી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને વાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલાવાડના એસપી રિચા તોમરના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગરી સમુદાયના હતા જેઓ તેમના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વાન ધરાશાયી થઈ ગઈ હતી.