રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીથી ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હજુ પણ કયાંક જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરે ખાનગી હોટલમાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
રૂપાલા વિવાદને લઈ હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જેઓ એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને શાંત કરવાના પ્રયાસને લઈ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી કેટલીક બાબતો જણાવી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.
રાજકોટમાં ભાજપનાં ઉમેદવારનો વિવાદ યથાવત છે. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે મળી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા થઈ હતી.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.