22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની ચરણ પાદુકાઓ પણ ત્યાં રાખવામાં આવશે. હાલમાં આ પાદુકાઓનું દેશભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકાઓ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.
આ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. આજે 19 ડિસેમ્બર દ્વારકાધીશ મંદિરેથી આ દિવ્ય પાદુકા સોમનાથ મહાદેવ મંદિર લાવવામાં આવી હતી. જ્યાં વિહિપના કાર્યકરો અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને પૂજારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. બાદમાં પુજારીગણ દ્વારા સોમનાથ મહાદેવની સન્મુખ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. આ ચરણ પાદુકા એક કિલો સોના અને સાત કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે. આમાં કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં પહોંચેલી પાદુકાઓને સોમનાથ મહાદેવ મંદિરના પંડિતોએ વિશેષ પૂજા કરી હતી. જે બાદ અનેક ભક્તોએ શ્રી રામ પાદુકાના દર્શન કર્યા હતા. કેટલાક ભક્તોએ તેને માથા પર ધારણ કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ આ શ્રી રામની પાદુકાઓ સાથે 41 દિવસ સુધી અયોધ્યાની પરિક્રમા કરી હતી. તે પછી, છેલ્લા બે વર્ષથી, આ પાદુકાઓને રામેશ્વરમથી બદ્રીનાથ સુધીના તમામ પ્રખ્યાત મંદિરોમાં લઈ જવામાં આવી રહી છે અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. હવે આ ચરણ પાદુકા બદ્રીનાથ મંદિર પહોંચશે. ત્યાર બાદ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં પાદુકા સ્થાપિત કરવામાં આવશે.