દેશભરના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે અને ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આ દરમિયાન વંદે ભારત ટ્રેનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં પીવાના પાણીના બગાડને બચાવવા માટે રેલવેએ મહત્વની પહેલ કરી છે. આ અંતર્ગત રેલ્વેએ નિર્ણય લીધો છે કે તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરને 500 mlની એક રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત 500 mlની વધુ એક રેલ નીર PDW બોટલ મુસાફરોને કોઈપણ વધારાની રકમ વસૂલ્યા વિના ફ્રીમાં આપવામાં આવશે.
જાણીતું છે કે અત્યાર સુધી વંદે ભારતમાં મુસાફરોને એક લિટર પાણીની બોટલ મળતી હતી. પરંતુ, રેલવેએ પાણીનો બગાડ ઘટાડવા માટે આ નિયમમાં ફેરફાર કર્યો છે. વાસ્તવમાં, રેલવેને સમજાયું કે મોટાભાગના લોકો એક લિટર પાણી પણ પી શકતા નથી. આવી સ્થિતિમાં પાણીનો બગાડ થાય છે. શતાબ્દી ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનના મુસાફરોને એક લિટરની જગ્યાએ અડધા લિટરની પાણીની બોટલો આપવામાં આવી રહી છે. શતાબ્દીમાં મુસાફરીનો સમય ઓછો હોવા છતાં મુસાફરો એક લીટર પાણી પણ પૂરું કરી શકતા નથી, પરંતુ વંદે ભારતની મુસાફરીનો સમય વધુ છે. જેના કારણે હવે એક લીટર પાણી બે ભાગમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસ શરૂ થતાંની સાથે જ અડધો લિટર પાણીની બોટલ આપવામાં આવશે અને પછી જરૂર પડશે તો બીજી 500 મિલી પાણીની બોટલ આપવામાં આવશે.