દેશ દુનિયામાં સાળંગપુર હનુમાન દાદાના ભક્તો જોવા મળે છે. અત્યાર સુધી સાળંગપુર સુધી પહોંચવા માટે એકમાત્ર રોડમાર્ગની સુવિધા હતી. પરંતુ હવે ઉડીને સાળંગપુર પહોંચી શકાશે. અમદાવાદથી સાળંગપુરની હેલિકોપ્ટર રાઈડ જલ્દી જ શરૂ થશે, જેમાં માત્ર 40 મિનિટમાં અમદાવાદથી સાળંગપુર પહોંચી શકાશે.
અમદાવાદના કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવનાર છે. આ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. આગામી મે મહિનામાં આ હેલિકોપ્ટર રાઈડ શરૂ થશે. યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ બનાવાયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ હેલિકોપ્ટર રાઈડ માટે અંદાજે 30 હજાર જેટલું ભાડું હશે અને 6 લોકો બેસી શકાય તે ક્ષમતાનું હેલિકોપ્ટર હશે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રાધામો પર પણ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
બેઝ્ડ એરોટ્રાન્સ કંપની દ્વારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે, અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે જયારે હેલિકોપ્ટર દ્વારા આ અંતર 40 મીનીટમાં જ કપાશે. જેથી આ રાઈડ શરૂ થતા ઘણો સમય બચી જશે.હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર 40 મિનિટમાં યાત્રાળુઓ સાળંગપુર મંદિર ખાતે પહોંચી શકશે.