ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ રહી છે. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા માટે અર્બન હાઉસિંગના સેક્રેટરીને આદેશ કર્યો છે. આ તપાસ IAS નિયમોના પરિપ્રેક્ષ્યમાં થશે. આ ઉપરાંત હાઇકોર્ટે સવાલ કર્યો કે કોન્ટ્રાકટર પાસે લાયકાત ના હોવા છતાં પહેલી વખત કોન્ટ્રેક્ટ નહોતો અપાયો તો બીજી વખત ફક્ત બે મહિનામાં લાયકાત કેવી રીતે આવી ગઈ?
આ અંગે પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું, સુઓમોટો PILની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભે હાઇકોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાથી હાઇકોર્ટ નાખુશ છે. કોર્ટે એવી ટકોર કરી છે કે આ સોગંદનામું ગેરમાર્ગે દોરે છે. એની અંદરની હકીકત દર્શાવવામાં આવી નથી તેમજ કોર્ટે જે કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રેક્ટ એકવાર રિજેક્ટ થયો હતો અને બે મહિના પછી ફરી તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
વકીલ ઉત્કર્ષ દવેએ આગળ કહ્યું કે, કોર્ટે એ વસ્તુ ઓર્ડરમાં નોંધી છે કે પહેલીવાર કોન્ટ્રેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે તેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી શૂન્ય હતી, પણ બે મહિનામાં એવું તો ક્યું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી તો વધી ગઈ કે તેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો. આ ઉપરાંત કોર્ટે ટકોર કરી કે આ સંપૂર્ણ બાબત માટે એ વખતના મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. તેમજ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ કર્યો છે.
હરણી બોટકાંડ સમયે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ હતા. આ બોટકાંડનો લાભ લઈને રંજનબેનના વિરોધીઓએ હાઇકમાન્ડમાં તેમની ટિકિટ કાપવા માટે ખૂબ લોબિંગ કર્યું હતું. જો કે આમ છતાં હાઇકમાન્ડે રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરી દીધું હતું. જો કે પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ જાહેરમાં વિરોધ કરતા રંજનબેન સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેથી મોવડી મંડળે રંજનબેનની ટિકિટ કાપવાની ફરજ પડી હતી અને તેમને સ્થાને હેમાંગ જોષીને ઉમેદવાર બનાવ્યા હતા. આમ બોટકાંડને કારણે રંજનબેનને રીપિટ ન કરવામાં આવ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાએ વેગ પકડ્યો હતો.
આ ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો તો જવાબદાર છે જ, પરંતુ તેની સાથે સાથે જે તે સમયે કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર પાસ કરનાર કોર્પોરેશનના અધિકારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો, મેયર અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકલન સમિતિના હોદ્દેદારોની પણ એટલી જ બેદરકારી છે. ટેન્ડર પાસ કરવામાં ભૂમિકા ભજવનાર જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવ, તત્કાલીન સ્થાયી સમિતિના ચેરમેન ડો. જિગીશાબેન શેઠ અને સ્થાયી સભ્યો, મેયર ભરત ડાંગર, સંકલન સમિતિના તે સમયના મંત્રી રાકેશ પટેલ સહિત હોદ્દેદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મૃતક બાળકોનાં પરિવારજનો અને શહેરીજનો દ્વારા માગ ઊઠી હતી.
કોટિયા પ્રોજેક્ટનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જે તે સમયના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ડો. જિગીશાબેન શેઠે જણાવ્યું હતું કે, પ્રથમ વખત ટેન્ડર મંજૂરી માટે આવ્યું ત્યારે નામંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં કંપનીએ ડોક્યુમેન્ટની પ્રોસિઝર પૂર્ણ કરી હશે. તેથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હશે. આ વાતને 5-6 વર્ષ થઇ ગયાં છે. હાલ ટેન્ડર વિશે વધુ યાદ નથી, પરંતુ ટેન્ડર નિયમોનુસાર જ મંજૂર કર્યું હશે.
સ્થાયી સમિતિમાં આવતાં કામો મંજૂર, નામંજૂર કરવા માટે સંકલન સમિતિ મળે છે. વાઘોડિયા રોડની ન્યૂસનરાઇઝ સ્કૂલનાં માસૂમ 12 બાળકો અને 2 શિક્ષકાઓનો ભોગ લેનાર હરણી મોટનાથ તળાવનું ટેન્ડર મંજૂરીનું કામ પણ સંકલન સમિતિમાં આવ્યું હતું. તે સમયે સંકલન સમિતિ તે સમયના ભાજપના મહામંત્રી રાકેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કોટિયા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
આ અંગે તત્કાલીન ભાજપના મહામંત્રી રાકેશ પટેલે જણાવ્યું હતું કે, સંકલન સમિતિમાં ટેન્ડરને લગતી પૂરી માહિતી આવતી નથી. કંપની ક્વોલિફાઇ છે કે નહીં તે જોવાની જવાબદારી કોર્પોરેશના વહીવટી વિભાગ એટલે કે તે સમયના કમિશનરની હોય છે. અમારે તો કઇ કંપનીએ કેટલો ભાવ ભરેલો છે અને કોઇ કંપનીને અન્યાય થાય નહીં તે જોવાનું હોય છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, હરણી મોટનાથ તળાવના કોન્ટ્રાક્ટ આપવાની ટેન્ડર પ્રક્રિયામાં કોઇ ગેરરીતિ થઇ નથી. તમામ પાસાઓની ચકાસણી બાદ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ટેન્ડરમાં કંપની (કોટિયા પ્રોજેક્ટ) પાસેથી જે કોઇ ડોક્યુમેન્ટ લેવાયા બાદ જ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. ટેન્ડર મંજૂર કરવામાં પાલિકાની કોઇ ભૂલ નથી. નોંધનીય છે કે, મ્યુનિસિપલ કમિશનરે આ વાત ઓન કેમેરા બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. ઓન કેમેરા ન બોલવાનું કારણ બોટ દુર્ઘટના જ્યુડિશિયલ મેટર થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું.
વડોદરાના હરણી-મોટનાથ તળાવ હોડી દુર્ઘટનામાં મુખ્ય સુત્રધાર મેસર્સ કોટીયા પ્રોજેક્ટ મનાય છે. કોટીયા પ્રોજેક્ટના માલિક પિતા-પુત્ર હરીશ કોટિયા, બિનીત કોટીયા છેલ્લા કેટલાંક વર્ષોથી દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટની સામેના કોમ્પ્લેક્સમાં “મનોરથ ફરસાણ હાઉસ” નામની દુકાન (હોટલ) ચલાવી રહ્યા છે. જ્યારે તેમની સાથે મોટનાથ તળાવના પ્રોજેક્ટમાં જોડાયેલા અને હાલ પોલીસ કસ્ટડીમાં લેવાયેલા આર્કિટેક ગોપાલદાસ શાહ અને પેટ્રોલ પંપના માલિક પરેશ શાહ મોટા ગજાના બિઝનેસમેનો છે. તેઓએ કોટીયા પ્રોજેક્ટ કંપનીનો ઉપયોગ કરીને પોતાનો ધંધો કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે જ રીતે આ ગુનામાં હજુ ફરાર નિલેશ જૈન પણ સુરત અને વડોદરા નજીક આવેલા મનોરંજક પ્રોજેક્ટોનો ધંધો સેટ કરીને બેઠેલો હોવાનું જાણવા મળ્યું છે.