18મી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરુ થયું, જે સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં લોકસભા સ્પીકર, 5 કેન્દ્રીય મંત્રી, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર છે. રાહુલ ગાંધીની વાયનાડ, શશી થરૂરની તિરુવનંતપુરમ અને હેમા માલિની મથુરા બેઠક પરથી મેદાનમાં છે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ થશે. આ પછી પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.
પહેલા આ તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારના મોત બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. આઉટર મણિપુરના કેટલાક ભાગોમાં આજે ફરી મતદાન થશે. ચૂંટણી પંચે આ બેઠક પર બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. 2019માં બીજેપીએ સૌથી વધુ 50 સીટો જીતી હતી અને બીજા તબક્કામાં એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અન્યને 9 બેઠકો મળી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 1,198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,097 પુરૂષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર ટ્રાન્સજેન્ડર છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR) અનુસાર, આ તબક્કામાં ચૂંટણી લડતા 21% એટલે કે 250 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 500 થી 1000 રૂપિયાની સંપત્તિ છે. મતદાન કર્યા પછી સીતારમણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો બહાર આવે અને મતદાન કરે. મને લાગે છે કે તે સ્પષ્ટ છે કે લોકો સ્થિર સરકાર ઈચ્છે છે. તેઓ સારી નીતિઓ, પ્રગતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી જ તેઓ આ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી તેમનો કાર્યકાળ ચાલુ રાખે.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- મને લાગે છે કે વિપક્ષ પાસે પોતાનો કોઈ મુદ્દો નથી. તેમની પાસે કોઈ સકારાત્મક એજન્ડા નથી તેથી તેઓ સતત વડાપ્રધાનને નિશાન બનાવે છે. તેઓ વ્યક્તિગત હુમલાઓ કરી રહ્યા છે અને તેના કરતા પણ ખરાબ વાત એ છે કે, તેઓ એવી બાબતો લાવી રહ્યા છે જેનો તેઓ પોતે અમલ કરી શકતા નથી.
મેરઠ લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર અરુણ ગોવિલે કહ્યું કે, હું દરેકને અપીલ કરવા માંગુ છું કે દરેકે ચોક્કસથી મતદાન કરવું જોઈએ. દેશ પ્રત્યેની આ આપણી ફરજ છે. મતદાન આપણો અધિકાર છે. રાહુલ ગાંધીએ લખ્યું- આજે આ ઐતિહાસિક ચૂંટણીનો બીજો તબક્કો છે જે દેશનું ભાગ્ય નક્કી કરવા જઈ રહ્યો છે. તમારો મત નક્કી કરશે કે આગામી સરકાર ‘થોડા અબજોપતિઓ’ની હશે કે 140 કરોડો ભારતીયોની. આથી દરેક નાગરિકની ફરજ છે કે આજે ઘરની બહાર આવીને બંધારણના સૈનિક બનીને લોકશાહીની રક્ષા માટે મતદાન કરે.
TMCએ દાવો કર્યો છે કે સેન્ટ્રલ ફોર્સ બાલુરઘાટનાં હમીરપુરમાં લોકોને મતદાન કરવાથી રોકી રહ્યું છે. આ સિવાય રાયગંજના ગોલપોખરમાં ખાસ કરીને મહિલાઓને વોટ કરવા દેવામાં નથી આવી રહ્યા. આ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને ચૂંટણી પંચે મૌન જાળવ્યું છે. ત્યારે બેંગલુરુમાં વોટ આપવા આવેલા રાઈટર સુધા મૂર્તિએ કહ્યું- હું બધાને કહેવા માંગુ છું કે ઘરે ન બેસો. ઘરની બહાર નીકળો અને મતદાન કરો. મને હંમેશા લાગે છે કે શહેરના લોકો ગામડાના લોકો કરતા ઓછું મતદાન કરે છે.