રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ આજે પણ યથાવત છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા બાદ ભાજપ વિરુદ્ધ આંદોલન પાર્ટ- 2 શરૂ થઈ ગયું છે. અંબાજી, કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે આંદોલન દક્ષિણ ગુજરાત (South Gujarat) તરફ આગળ વધ્યું છે. ક્ષત્રિયોનો વિરોધ યથાવત રહેતાં ગુજરાત સરકાર (Gujarat Government) અને BJP માં ઉચાટની સાથે એક ડર છે. ક્ષત્રિય આંદોલનમાં અન્ય કયો-કયો સમાજ તેમની પડખે ઉભો છે તેની રજેરજની માહિતી ગુજરાત પોલીસ (Gujarat Police) મેળવી રહી છે. કચ્છ પોલીસ (Kutch Police) ના વાયરલ થયેલા પત્ર (Viral Letter) ને જોતાં ક્ષત્રિયોની સાથે અન્ય કોઈ સમાજ પણ ભાજપ સામે બાંયો ચઢાવે છે કે નહીં તેના પર બાજનજર રાખવા સરકારે પોલીસને આદેશ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
કચ્છ પશ્ચિમ પોલીસ (Kutch West Police) નો એક સરકારી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કચ્છ પશ્ચિમના DIG મહેન્દ્ર બગરીઆ (Mahendra Bagria) વતી સહી કરાયેલો એક પત્ર સોશિયલ મીડિયા (Social Media) માં ફરતો થયો છે. જેમાં લખ્યું છે કે, ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ 24 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લા (Kutch District) માં ફરનારો છે. તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે ધર્મ રથ કયા-કયા ગામમાં ફેરવવામાં આવ્યો, આગેવાનનું નામ, ધર્મ રથને કેવો પ્રતિસાદ મળ્યો તેમજ ક્ષત્રિયો સિવાય કોણે-કોણે સપોર્ટ કર્યો તેની માહિતી તાત્કાલિક મોકલવાની રહેશે. નાયબ પોલીસ મહાનિરીક્ષકના આદેશાનુસાર લખાયેલો પત્રમાં નાયબ પોલીસ અધિકારી ભુજ અને નખત્રાણા (ASI HC LIB Field) ને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે.