25 એપ્રિલે IPL-2024ની 41મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 35 રનથી હરાવીને 26 એપ્રિલના અમદાવાદ આવી પહોંચી હતી. ચાહકો ટીમને આવકારવા માટે અગાઉથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેલાડીઓની સુરક્ષા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. આજરોજ 28 એપ્રિલના ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વચ્ચે બપોરના 3.30 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ છે. આ વિસ્ફોટક મેચને લઈ ક્રિકેટરસીકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની ટીમ 9 મેચમાંથી 4 મેચ જીતી છે, જ્યારે બેંગ્લોરની ટીમ 9 મેચમાંથી 2 મેચમાં જ જીત મેળવી શકી છે. ત્યારે જોવાનું રહ્યું કે, આજની મેચમાં કોણ જીત મેળવશે?
આજે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3.30થી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લુરુ વચ્ચે મેચ રમાશે. અમદાવાદમાં હીટવેવની આગાહી હોવાથી ગુજરાત ક્રિકેટ એસોસિએશને પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં ચાર બેડની નાની હોસ્પિટલ ઊભી કરી છે. આ સિવાય ઓઆરએસના પેકેટ અને પાણીના વિતરણની પણ વ્યવસ્થા કરી છે. અગાઉ 31 માર્ચે રવિવારે યોજાયેલી મેચમાં 30થી વધુ પ્રેક્ષકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદ સેક્રેટરી અનિલ પટેલે કહ્યું કે, હવામાન વિભાગે રવિવારે હીટવેવની આગાહી કરી હોવાથી સ્ટેડિયમમાં મેચ જોવા આવતાં પ્રેક્ષકો અને સ્ટાફને હીટવેવથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે. સ્ટેડિયમમાં એચસીજી હોસ્પિટલના ડોક્ટર્સ સહિતના પેરામેડિકલ સ્ટાફ સાથેની ચાર-ચાર બેડની બે હોસ્પિટલ ઊભી કરાશે. તેમજ કોઇને પણ હીટસ્ટ્રોકની અસર જણાય તો મેડિકલ કાઉન્ટર અને સ્વયંસેવકો પાસેથી ઓઆરએસના પેકેટ મેળવી શકશે. તેમજ સ્ટેડિયમના ગેટ નં-1 અને 2 ઉપર વિનામૂલ્યે પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મેચને પગલે બપોરે 2 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી જનપથથી મોદી સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો રોડ વાહનોની અવરજવર માટે બંધ કરાશે. આ ત્રણેય દિવસ વાહન ચાલકોએ તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા થઈ વિસતથી જનપથ તેમજ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના રોડનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરવાનો રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટરર્બન્સની અસરથી છેલ્લાં બે દિવસથી શહેરમાં વાદળિયું વાતાવરણ રહેતાં ગરમીથી થોડી સામાન્ય ઘટી હતી. પરંતુ રવિવાર અને સોમવાર એમ બે દિવસ ગરમીનો પારો એકથી દોઢ ડિગ્રી વધી 41 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી ગગડીને 39.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27,5 ડિગ્રી નોંધાયું હતું. રવિવાર અને સોમવારને દિવસે વાતાવરણમાં ગરમી અને બફારામાં વધારો થવાની શક્યતા છે. શનિવારે રાજ્યના અમરેલીમાં સૌથી વધુ 41.3, રાજકોટમાં 40.9, કેશોદમાં 40.4 તેમજ સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.