જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. અહીં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઘણી જગ્યાએ ભારે હિમવર્ષા પણ થઈ છે. ખાસ કરીને કુપવાડા સહિત ઉત્તર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પૂરના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના કેટલાક ભાગોમાં રાતોરાત વરસાદને પગલે ભૂસ્ખલનની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને સોમવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે કિશ્તવાડના બાશા-સિમ્બુલ ગામમાં બે મકાનો ધરાશાયી થયા હતા, જ્યારે રામબન અને સાંબા જિલ્લામાં રાત્રિના વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં મોટી સંખ્યામાં પશુઓના મોત થયા હતા.
સોમવારે બીજા દિવસે પણ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. પોલીસકર્મીઓ અને બચાવ ટુકડીઓ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.રામબન જિલ્લામાં મેહર, ગંગરુ, મોમ પાસી અને કિશ્તવાડી પાથેર ખાતે ભૂસ્ખલનને પગલે કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતા આ હાઇવે પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સતત વરસાદને કારણે સમારકામનું કામ થઈ રહ્યું નથી. તેમણે લોકોને જ્યાં સુધી હાઈવે પરથી કાટમાળ હટાવવામાં ન આવે ત્યાં સુધી અહીંથી પસાર થવાનું ટાળવાની સલાહ આપી હતી.
જમ્મુના પૂંછ અને રાજૌરી જિલ્લાઓને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લા સાથે જોડતો વૈકલ્પિક માર્ગ મુગલ રોડ પણ પીર કી ગલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ત્રીજા દિવસે પણ બંધ રહ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સતત વરસાદ વચ્ચે કિશ્તવાડમાં સત્તાવાળાઓએ જિલ્લામાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે હંઝાલામાં નાયગઢ પાણી પુરવઠા યોજનાની 250 એમએમની મુખ્ય પાઈપને નુકસાન થયા બાદ કિશ્તવાડ શહેરમાં પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.