કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ફેક વીડિયો મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે. ગઈ કાલે ભાજપની ફરીયાદ બાદ દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરીને આજે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યાં અને હવે આ વીડિયો બનાવીને વાયરલ કરનારો આરોપી ઝડપાયો છે.
રીતમ સિંહના એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટમાં લખવામાં આવ્યું છે કે તે આસામમાં કોંગ્રેસ પાર્ટીના રોકેટ વૈજ્ઞાનિક, વકીલ, સોશિયલ એન્જિનિયર અને વોર રૂમ કો-ઓર્ડિનેટર છે.આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ કહ્યું-આરોપીની ધરપડ કરાઈ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોમવારે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ સાથે જોડાયેલા નકલી વીડિયોના સંબંધમાં આસામ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. હિમંત બિસ્વા સરમાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દાવો કર્યો હતો કે આ કેસમાં આસામ પોલીસે જે વ્યક્તિની ઓળખ રીતમ સિંહ તરીકે થઈ છે તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને પોતાના કબ્જામાં લઈ તપાસ આગળ વધારી છે.
વીડિયો ટ્વિટ કરતાં રીતમ સિંહે લખ્યું હતું કે સત્તા પર આવવાં પર ભાજપ એસસી, એસટી અને ઓબીસી અનામત હટાવી દેશે. આ શુદ્ધ બ્રાહ્મણવાદ અને આંબેડકરના બંધારણનું મોત છે. જેવી રીતે તેઓ ભારતની સંપત્તિ 1 ટકા અંબાણી અને અદાણીને આપી દેવા માગે છે તેવી રીતે તેઓ 3 ટકા બ્રાહ્મણોને તમામ નોકરીઓ અને બેઠકો આપી દેશે.
ઓરિજિનલ ફૂટેજમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલા અનામતનો અંત લાવશે. તેમણે મુસ્લિમોને આપવામાં આવેલી અનામતને પણ “ગેરબંધારણીય” ગણાવ્યું હતું. ભાજપના સોશિયલ મીડિયા હેડ અમિત માલવીયએ અસલી અને ફેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેલંગાણા કોંગ્રેસને આવા નકલી વીડિયો ફેલાવવાથી બચવાની ચેતવણી પણ આપી હતી.