આ વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મામલે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન તેની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હતા. આઇપીએલમાં રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી દૂર કરવામાં આવ્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડયાને કમાન સોંપી દીધી છે. પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. રોહિતે કહ્યું કે આ મારા માટે નવી વાત નથી. હું અગાઉ પણ ઘણા કેપ્ટન હેઠળ રમી ચૂક્યો છું.
ઓલરાઉન્ડર શિવમ દુબે અંગે રોહિતે કહ્યું કે, “અમારો ટોપ ઓર્ડર સારો દેખાવ કરી રહ્યો છે, તે ખરાબ નથી. અમે ઇચ્છીએ છીએ કે કોઈ મધ્ય ઓવરમાં તે ભૂમિકા ભજવે અને મુક્તપણે રમે. અમે દુબેને આઈપીએલમાં તેના પ્રદર્શનના આધારે પસંદ કર્યો. અમે તેના વિશે વાત કરી અને પસંદગી કરી, પરંતુ પ્લેઇંગ 11 માં તેને લેવાશે તેની કોઈ ગેરન્ટી નથી.
રોહિતે કહ્યું, ‘હું કેપ્ટન હતો પછી કેપ્ટન નહોતો અને હવે છું. આ જીવનનો એક ભાગ છે, બધું આપણું મરજી પ્રમાણે ન થાય. તે એક મહાન અનુભવ રહ્યો છે. મારા જીવનમાં પણ હું કેપ્ટન ન હતો અને જુદા જુદા કેપ્ટન હેઠળ રમ્યો હતો. તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. મેં હંમેશા ખેલાડી બનવા માટે જે જરૂરી હોય તે કરવાનો પ્રયાસ કર્યો છે અને મેં છેલ્લા એક મહિનામાં તે કરવાનો પ્રયાસ કર્યો છે. અજીત અગરકરે કહ્યું, “રોહિત શાનદાર કેપ્ટન રહ્યો છે. 50 ઓવરના વર્લ્ડ કપ અને આ (ટી-20) વર્લ્ડ કપ વચ્ચેના 6 મહિના દરમિયાન અમારે કેટલાક નિર્ણયો લેવાના હતા, તેમાં કોઈ શંકા નથી. હું જાણું છું કે હાર્દિકે કેટલીક શ્રેણીમાં નેતૃત્વ કર્યું છે. પરંતુ રોહિત ઉત્કૃષ્ટ રહ્યો છે.
ટી 20 વર્લ્ડ કપમાં રાહુલની બાદબાકી પર બોલતાં અજિત અગરકરે કહ્યું કે રાહુલ શાનદાર ખેલાડી છે. અમે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા ખેલાડીઓ પર વિચાર કરી રહ્યા છીએ. ટોપ ઓર્ડરમાં કેએલ બેટિંગ કરે છે. જ્યારે ઋષભ પંત 5માં નંબર પર રમે છે. સંજુ સેમસન પણ નીચે રમવાની ક્ષમતા ધરાવે છે.