IPL 2024 ની મેચ નંબર 50 આ ટુર્નામેન્ટની સૌથી અદભૂત મેચો પૈકીની એક તરીકે ક્રિકેટ ઇતિહાસના પાનાઓમાં નોંધવામાં આવી છે. વાત જાણે એમ છે કે, આ મેચમાં બધું જ રાજસ્થાન રોયલ્સના હાથમાં હતું. મેચ દરમિયાન જ્યારે ભુવનેશ્વર કુમાર મેચનો છેલ્લો બોલ ફેંકી રહ્યો હતો ત્યારે પણ એવું લાગી રહ્યું હતું કે, રાજસ્થાનનો રોવમેન પોવેલ મેચનો પલટો કરશે પરંતુ ‘કિંગ ઓફ સ્વિંગ’ ભુવનેશ્વરે પોવેલને LBW આઉટ કર્યો હતો આ સનરાઇઝર્સ હૈદરાબાદ 1 રનથી જીત્યું. પરંતુ હૈદરાબાદે છેલ્લી 3 ઓવરમાં મેચનો પલટો ફેરવી દીધો હતો.
18મી ઓવર સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા ટી નટરાજનને આપવામાં આવી હતી. નટરાજનની 18મી ઓવરના પહેલા જ બોલ પર હેટમાયરે સિક્સર ફટકારી હતી. આ પછી આગામી બે બોલ ડોટ (ખાલી) ગયા. ચોથા બોલ પર નટરાજને હેટમાયર (13 રન)ને જેન્સેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી ધ્રુવ જુરેલ ક્રિઝ પર આવ્યો ઓવરના પાંચમા બોલ પર ડોટ રમ્યો છઠ્ઠા બોલ પર એક રન લઈને સ્ટ્રાઈક લીધી. આ ઓવરમાં કુલ 7 રન આવ્યા હતા. નટરાજન હવે 15 વિકેટ લઈને પર્પલ કેપ ધારક પણ બની ગયો છે. તેણે IPLમાં કુલ 15 વિકેટ લીધી છે.
કેપ્ટન પેટ કમિન્સે પોતે મેચની 19મી ઓવરની કમાન સંભાળી. અહીંથી રાજસ્થાનને જીતવા માટે 12 બોલમાં 20 રનની જરૂર હતી. કમિન્સે 19મી ઓવરના પહેલા જ બોલ પર ધ્રુવ જુરેલને અભિષેક શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી નવો બેટ્સમેન રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર આવ્યો. અશ્વિને આવતાની સાથે જ એક રન લીધો અને પોવેલને સ્ટ્રાઇક આપી. આ પછી કમિન્સે સતત ત્રણ બોલ (ત્રીજા, ચોથા અને પાંચમા) પર ડોટ્સ ફેંક્યા. પોવેલ દબાણ હેઠળ દેખાતો હતો. 19મી ઓવરનો છેલ્લો બોલ તેના બેટ પર વાગ્યો અને સિક્સર ફટકારી.
હવે મેચમાં છેલ્લી ઓવર બોલિંગ કરવાની જવાબદારી ‘પ્લેયર ઓફ ધ મેચ’ 34 વર્ષના ભુવનેશ્વર કુમારને આપવામાં આવી હતી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. SRHના ભુવીએ મેચની પ્રથમ ઓવરમાં જોસ બટલર (0) અને સંજુ સેમસન (0)ને આઉટ કર્યા હતા. ભુવનેશ્વરે તેની 20મી ઓવરનો પહેલો બોલ અશ્વિનને ફેંક્યો, જેના પર અશ્વિને એક રન લીધો. આ પછી પોવેલે મેચના બીજા બોલ પર 2 અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર ફરીથી 2 રન આવ્યા અને સ્ટ્રાઇક માત્ર પોવેલના હાથમાં હતી. પોવેલે ફરીથી પાંચમા બોલ પર 2 રન ચોર્યા. પરંતુ તે છેલ્લા બોલ પર LBW થયો હતો, આમ SRH એ મેચ 1 રનથી જીતી લીધી હતી. IPLની આ સિઝનમાં રાજસ્થાનનો પીછો કરતી વખતે આ પહેલી હાર હતી.
મેચમાં પ્રથમ રમતા સનરાઇઝર્સ હૈદરાબાદે 201/3નો સ્કોર કર્યો જે આ ટુર્નામેન્ટમાં તેમનો પાંચમો 200+ સ્કોર હતો. હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડ (58 રન, 44 બોલ), નીતિશ કુમાર રેડ્ડી (76 રન, 42 બોલ), હેનરિક ક્લાસેન (42 રન, 19 બોલ) એ બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન તરફથી અવેશ ખાન સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 2 વિકેટ લીધી હતી. જ્યારે રાજસ્થાનના રન ચેઝ કરનાર રિયાન પરાગે 49 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 67 રન બનાવ્યા હતા. અંતમાં રોવમેન પોવેલે 15 બોલમાં 27 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. હૈદરાબાદ તરફથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને ટી નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી.
જો રાજસ્થાન રોયલ્સ આ મેચ જીતી ગઈ હોત તો આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. પરંતુ તેની રાહ વધી ગઈ છે. અત્યાર સુધી તેણે 10માંથી 8 મેચ જીતી છે અને તેના 16 પોઈન્ટ છે. બીજી તરફ સનરાઇઝર્સની ટીમ આ જીત સાથે 5માંથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેણે સતત 2 હાર બાદ પ્રથમ મેચ જીતી છે. હૈદરાબાદની ટીમે અત્યાર સુધી 10માંથી 6 મેચ જીતી છે. તેની 4 મેચ બાકી છે.