મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ખરાબ તબક્કો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં આ સિઝનમાં ચાલુ છે. MI શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 24 રને હારી ગઈ હતી. આ મેચમાં KKRને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ માટે આ ટાર્ગેટ આસાન માનવામાં આવતું હતું પરંતુ તે માત્ર 145 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. આ સિઝનમાં આ તેની 8મી હાર છે. આ હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ હારનું કારણ જણાવ્યું હતું.
IPL 2024 ની 51મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી હતી. આ મેચમાં કોલકાતાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્ટાર્ક લાંબા સમય બાદ લયમાં દેખાયો હતો અને તેણે મુંબઈ સામે 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ભારે નુકસાન થયું છે અને તે હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હાર બાદ MI કેપ્ટન હાર્દિક પંડ્યા ખૂબ જ નિરાશ જોવા મળ્યો અને તેણે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા.
પંડ્યાએ મેચ બાદ કહ્યું કે, ‘સ્વાભાવિક રીતે અમે ભાગીદારી બનાવી શક્યા નહીં અને વિકેટ ગુમાવતા રહ્યા. ઘણા પ્રશ્નો છે અને આ બધાના જવાબો શોધવામાં થોડો સમય લાગશે.’ તેણે KKRની ઇનિંગ્સને 169 રન સુધી સીમિત કરવા માટે બોલરોની પ્રશંસા કરતાં કહ્યું, ‘આ પીચ પર બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. જો મારી ભૂલ ન હોય તો બીજી ઇનિંગમાં ઝાકળને કારણે વિકેટ સારી બની હતી. હવે અમારે જોવું પડશે કે અમે શું વધુ સારું કરી શકીએ છીએ.’ એમને કહ્યું કે, ‘તમે રમતમાં સંઘર્ષ કરવાનું ચાલુ રાખો છો. આ હું મારી ટીમના ખેલાડીઓને કહું છું. તે પડકારજનક છે પરંતુ તમને પડકારો લેવાનું ગમે છે. આ હું મારી જાતને કહું છું કે ક્યારેય યુદ્ધનું મેદાન ન છોડવું. મુશ્કેલ દિવસો આવશે પણ સારા દિવસો પણ આવશે. આ પડકારજનક છે પરંતુ પડકારો તમને વધુ સારા બનાવે છે.’
મેચ વિશે વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 19.5 ઓવરમાં 169 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન KKRના બેટ્સમેન વેંકટેશ અય્યરે 52 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મનીષ પાંડે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો અને તેણે પોતાની ટીમ માટે 31 બોલમાં 42 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. મેચની બીજી ઈનિંગ દરમિયાન KKRએ મુંબઈ ઈન્ડિયન્સને કોઈ મોટો ટાર્ગેટ આપ્યો ન હતો. વાનખેડે જેવા સ્ટેડિયમમાં 170 રનના લક્ષ્યનો બચાવ કરવો એ સૌથી મુશ્કેલ કામ છે, પરંતુ KKRના બોલરોએ હાર ન માની અને 18.5 ઓવરમાં 145ના સ્કોર પર મુંબઈ ઈન્ડિયન્સને ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી. આ દરમિયાન સ્ટાર્કે 3.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિન બોલર વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ લીધી હતી.